Tuesday, January 14, 2020

પતંગ – ઉત્તરાયણ ગઝલ – દિનેશ દેસાઈ

આંખો પતંગ, જુલ્ફો રેશમી દોર છે,
આંખો લડાવશું, બે આંખમાં જોર છે.

લાગ્યા નજર નજરના પેચ, તો સમજો;
આકાશ આંખમાં ને બ્હાર કલશોર છે.

ધાબું ભરી ભરી પીધા કરી છે સતત
છું ચોર તો, નજર એની’ય ચિતચોર છે.

ફિરકી બની પછી એ ઢીલ દેતી રહી,
ઊડે પતંગ સાથે પાલવ કોર છે.

ઊંચે જવા’ય દે, કાપી જ નાખે પછી,
ધાબા, અગાશિયે એનો જ તો શોર છે.

કાબૂ કમાન પર ક્યાંથી રહે પવનમાં,
આપ્યો પતંગને આખર છુટો દોર છે.

ને પેચ લાગવા દે, ભાર દોરી ભલે;
ખેંચી જ કાઢવાનો એમનો તોર છે.

દુપટ્ટો’ય આંગળીએ બાંધશે જાળવી,
એ લાગણી સદા ગુલફામ – ગુલમ્હોર છે.

દસ્તુર પતંગનો, ઉડતા સુધીની ગરજ,
ફાટી ગયા પછીની જિંદગી ઑર છે.

નમતો પતંગ હો તો વજનિયું બાંધવું,
આ શીખ જિંદગીની, આમ શિરમોર છે.

જીવન પતંગ જેવું, જે ચઢે, ઊતરે,
સૂરજ ઢળી જશે, નમતો’ય આ પ્હોર છે.