Monday, October 31, 2011

ગઝલ - - દિનેશ દેસાઈ

ગઝલ
"ઊડવું, ફંગોળવું, બળવું, ઠરી જાવું,
આદમીના હાથમાં ક્યાં છે મરી જાવું? 0

શોક, ભય, ઈચ્છા, અભીપ્સા, વાસના હર પળ,
તે છતા ક્યાં પાલવે એથી ડરી જાવું? 0

નાવ, નાવિક ને હલેસાં, કેટલાં વાનાં?,
છે કઠિન આ ઝાંઝવાનાં જળ તરી જાવું. 0

પારખે ના જે સમયને, ઠોકરો ખાતું,
તાજગી એમાં જ કે ખીલવું-ખરી જાવું. 0

આભ સૌનું પણ અલગ સૌની ક્ષિતિજ એથી,
હોય જે માંડ્યું નસીબે તે ભરી જાવું. 0

બાંધતાં કાંડે છતા બાંધી શક્યું ના કોઈ,
છે સમયનું કામ તો સર્ સર્ સરી જાવું. 0

પાર ગોરંભો કરી ટહુકો જતો એળે,
તો ઉનાળુ સાંજ થઈ અઢળક ઝરી જાવું. 0"

- દિનેશ દેસાઈ.
(ગુજરાત દીપોત્સવી)

Friday, August 19, 2011

એક ગઝલ.............
"એક સાંજે આંખ ફરકી હતી,
ત્યારથી એ સાવ ગળતી હતી.
મોગરાની જેમ મ્હેકી ઊઠી,
છોકરી જાણે ઊઘડતી હતી.
ઝાંઝવાની વાતમાં દમ હશે,
જાતની તો એય હરણી હતી.
રાત આખી રાહ જોતી રહી,
કે ઉદાસી આમ વસમી હતી.
રેશમી સંગાથ પાછો મળે,
કામના એ રોજ કરતી હતી."
-દિનેશ દેસાઈ
("પ્રેમઝરૂખો" સંગ્રહમાંથી)

Thursday, March 17, 2011

ગઝલ

આપવા જેવું નથી, શું આપવું?,
માગવા જેવું નથી, શું માગવું? ૦

દ્વાર ખોલી ના મને બોલાવ તું,
આવવા જેવું નથી, શું આવવું? ૦

જો અચાનક શૂળ ઉગી જાય છે,
કાપવા જેવું નથી, શું કાપવું? ૦

દાવ પર લાગી હતી જે જદગી,
હારવા જેવું નથી, શું હારવું? ૦

યાદનો અસબાબ ના મંગાવ તું,
લાવવા જેવું નથી, શું લાવવું?