અછાંદસ્ કાવ્ય
દિનેશ દેસાઈ.
પંખીઓનો હવે વધી જશે કલશોર,
એમને હવે મળશે થોડી વધારે સ્પેસ.
એમને હવે છોડવી નહીં પડે અધવચ્ચેથી કોઈ ડાળ,
કિશોરવયનાં કલશોરને કોઈ વૃક્ષ આપશે નહીં જાકારો.
સાત કોઠા ભેદ્યા પછી આઠમો કોઠો પણ છે હવે તૈયાર,
ચણતરનો ભાર તો ખૂબ વર્ષોથી વેઠ્યો,
ભણતરનો માર જરા વેઠી લઈએ હવે,
‘ગણતર’ના કારણે મળ્યું છે આખું વિહંગ,
પછી તો આખી જિંદગીની છે નિરાંત.
ઉછીનું પીછું ને ઉછીનાં ટહુકા ક્યાં લગી આમતેમથી ઉઘરાવવા?
પંડે કરીને હવે કલરવ લઈ સામટો,
ઊડતાં રે’શું ને સાથે ગીતો’ય ગાશું,
ફેલાશું નીલગગનમાં ચારેકોર.
અછાંદસ્ કાવ્ય
દિનેશ દેસાઈ.
ગુજરાતના વિહંગમાં શિક્ષણની ક્ષિતિજે એક નવો સૂરજ ઊગી રહ્યો છે ત્યારે,
આ સૂરજ બરાબર તપે, તાવે અને મધ્યાન્હે તપતો જ રહે એનો પહેરો ભરાય તો સારું.
હવે લાગે છે બાળશિક્ષણની ઊજળી છે આવતીકાલ,
અત્યાર સુધી તો ભણતર સામે હતા કેટલાંય સવાલ.
હવે આશા છે ભણતરને પાછી ફૂટશે નવી પાંખો,
આંખોમાં સાચવીને રાખેલાં શમણાંને મળશે આકાર.
કાગળ પર તો વર્ષોથી બનતી રહી છે યોજનાઓ,
અમને ખુદ બનાવવામાં ન આવે એની જોવાતી રાહ.
ચાની કિટલી ઉપર આમ તો ગળાતું હતું સૂકું બાળપણ,
શેરીઓમાં આમતેમ ફંગોળાતું હતું કાલુઘેલું શાણપણ.
મેઘધનુષને આંખોમાં આંજવાનો અમને છે અધિકાર,
ગણતરે આપ્યો છે ભણતરને એક નવો જ આકાર.
ભરપૂર વેઠ્યો છે આમતેમ રઝળીને ભણવા માટેનો વનવાસ,
હવે તો ધાર્યું નિશાન પાર પાડ્યો જ પાર.
પાર્થને કહો ચઢાવે બાણ,
હવે તો ભણવું એ જ કલ્યાણ,
હવે તો ભણવું એ જ કલ્યાણ.