Tuesday, January 14, 2020

પતંગ – ઉત્તરાયણ ગઝલ – દિનેશ દેસાઈ

આંખો પતંગ, જુલ્ફો રેશમી દોર છે,
આંખો લડાવશું, બે આંખમાં જોર છે.

લાગ્યા નજર નજરના પેચ, તો સમજો;
આકાશ આંખમાં ને બ્હાર કલશોર છે.

ધાબું ભરી ભરી પીધા કરી છે સતત
છું ચોર તો, નજર એની’ય ચિતચોર છે.

ફિરકી બની પછી એ ઢીલ દેતી રહી,
ઊડે પતંગ સાથે પાલવ કોર છે.

ઊંચે જવા’ય દે, કાપી જ નાખે પછી,
ધાબા, અગાશિયે એનો જ તો શોર છે.

કાબૂ કમાન પર ક્યાંથી રહે પવનમાં,
આપ્યો પતંગને આખર છુટો દોર છે.

ને પેચ લાગવા દે, ભાર દોરી ભલે;
ખેંચી જ કાઢવાનો એમનો તોર છે.

દુપટ્ટો’ય આંગળીએ બાંધશે જાળવી,
એ લાગણી સદા ગુલફામ – ગુલમ્હોર છે.

દસ્તુર પતંગનો, ઉડતા સુધીની ગરજ,
ફાટી ગયા પછીની જિંદગી ઑર છે.

નમતો પતંગ હો તો વજનિયું બાંધવું,
આ શીખ જિંદગીની, આમ શિરમોર છે.

જીવન પતંગ જેવું, જે ચઢે, ઊતરે,
સૂરજ ઢળી જશે, નમતો’ય આ પ્હોર છે.

Sunday, June 17, 2018

હેપી લાઈફનો ફંડાઃ ઑલવેઝ બી-પ્લસ – દિનેશ દેસાઈ





લેખક - દિનેશ દેસાઈ
પ્રમુખ સ્વામીએ કહ્યું છે કે પ્રાર્થના એક એવું શસ્ત્ર છે કે જેની નકલ શત્રુ પણ કરી શકે નહીં. ભગવાન સ્વામિનારાયણના સ્વમુખે કહેવાયેલ વચનામૃત નવમું (પાડા ખારનું)માં શ્રીજી મહારાજે નિત્યાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે કે જેને એવી મલીન રીસ હોય જે જેની ઉપર આંટી પડે તે સંગાથે આંટી મૂકે જ નહીં, પાડાની પેઠે રીસ રાખ્યા જ કરે, એવો જે હોય તેને સાધુ કહીએ કે ના કહીએ? જે એવો હોય તેને તો સાધુ ના કહેવાય.
આંટી ચાર પ્રકારની ગણાવી શકાય. (1) હવામાં લીટી, (2) પાણીમાં લીટી, (3) લોટમાં લીટી અને (4) લોખંડમાં લીટી. હવામાં લીટી કરી જુઓ. હવા બે ભાગમાં વહેંચાઈ જશે પરંતુ કોઈને કશી જ ખબર નહીં પડે. માત્ર તમારી એકશન જ બીજી વ્યક્તિ જોઈ શકશે. પાણીમાં લીટી દોરીએ તો એકશન દેખાવાની સાથે પાણી સહેજ આઘું-પાછું થયેલું જણાશે અને કાચી સેકન્ડમાં તો પાણી સરખું થઈને પૂર્વવત્ થઈ જશે. જ્યારે લોટમાં લીટી દોરીએ તો દેખાશે પણ પાછી ફૂંક મારી દો તો લોટ સરખો થઈ જશે અને કોઈને ખ્યાલ પણ નહીં આવે. હવે લોખંડ ઉપર લીટી કરવી હોય તો લોખંડને ગરમ ભઠ્ઠીમાં તપાવવું પડે એ પછી ઘણ વડે ઘા મારવો પડે ત્યારે ભુંસાય નહીં તેવી લીટી પડી જશે.
આંટી ક્યારે પડે? સંબંધમાં તિરાડ ક્યારે પડે? કોઈ સાથે મનદુઃખ ક્યારે થાય? આપણે સૌ કોઈમાં ગુણદૃષ્ટિ રાખીએ તો તિરાડ જ ના પડે. સામેની વ્યક્તિમાં હંમેશા ગુણ જોવા યાને પોઝિટિવિટી અને પોતાના અવગુણ વિશે સતત જાગૃત રહેવું. હવામાં પણ લીટી ના પડે તેની કાળજી લેવી.
હેપી લાઈફનો ફંડા છે, ઑલવેઝ બી પ્લસ – પૉઝિટિવિટી. દરેક વ્યક્તિનો સ્વભાવ જન્મજાત હોય છે. તેને આપણે બદલી શકીએ નહીં, પરંતુ દરેક વ્યક્તિ પ્રત્યે આપણે પૉઝિટિવ તો અવશ્ય બની શકીએ. દરેક વ્યક્તિમાં કોઈને કોઈ ગુણ હોય છે, એને આવકારીએ. ગુજરાતી કહેવત પણ છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય. એટલે કે આપણે કોઈને સ્વેચ્છાએ સુધારી શકીએ નહીં. એક વાર શ્રીજી મહારાજ નાગરકા ગામે વિચરણમાં આવ્યા. જે હરિભક્તના ઘરે ઉતારો હતો તે હરિભક્તની ઘોડીનો સ્વભાવ એવો કે માલિક સિવાય કોઈ પણ વ્યક્તિ સહેજ પણ અડે તો ઘોડી પાછલા પગની લાત મારે.



શ્રીજી મહારાજે આ વાત જાણીને નક્કી કર્યું કે આજે તો એનો સ્વભાવ મૂકાવવો જ છે. તેઓ સવારથી પેલી ઘોડી સામે એક લાંબી લાકડી લઈને બેઠા. ઘોડીને જેવી લાકડી અડાડવામાં આવે કે તરત ઘોડી પાછલા પગની લાતનો પ્રહાર કરે. શ્રીજી મહારાજ થોડી થોડી વારે લાકડી અડાડતા રહેતા. જે લાતનો પ્રહાર 100 વૉટના કરંટ જેવો હતો તે ધીમે ધીમે 99 અને 98 અને 97 એમ ઘટતો ગયો. બપોર સુધી તો ઘોડીની તાકાત ઘટતી ગઈ. તેની પાછલા પગની લાત મારવાની ક્ષમતા જાણે ઓછી થઈ ગઈ અથવા તે પગ ઊંચો કરવાની બાબતમાં કંટાળી ગઈ. સાંજ પડતા સુધી તો હવે ઘોડીને લાકડી અડાડો કે હાથ પણ અડાડો તો પ્રતિભાવ આપવાના બદલે શાંત જ ઉભી રહેવા લાગી. સાંજ સુધીમાં તો ઘોડીએ પોતાનો સ્વભાવ મૂકી દીધો.
આખા જગતને ચામડાથી મઢી શકાય નહીં, એના કરતા આપણે જ જૂતાં પહેરીએ, એનું નામ પૉઝિટિવિટી. સામેની વ્યક્તિના કોઈ પણ કાર્યમાં હકારાત્મક બનીએ અને પોતાના દરેક કાર્યમાં શ્રેષ્ઠ કરતા રહીએ. આપણે જે કોઈ કાર્ય કરીએ તેમાં પરફેક્શન યાને સચોટતા આવે ત્યારે સમય જતા જે તે કાર્યમાં નિપૂણતા પણ આપોઆપ આવી જાય છે.
શ્રીજી મહારાજે ગઢડા મધ્યના બીજા વચનામૃત (પાણીની સેરનું)માં કહ્યું છે કે જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય અને નારદ-સનકાદીક જેવા સાધુ થવું હોય તેને એમ વિચાર કરવો જે આ દેહ છે તેને વિશે જીવ રહ્યો છે અને ઈન્દ્રિયો અંતઃકરણ છે, તે જીવ સાથે વળગી રહ્યાં છે અને ઈન્દ્રિયો ને અંતઃકરણ છે તે બહાર પણ પંચવિષયમાં વળગી રહ્યાં છે.
ભગવાન સ્વામિનારાયણ તો આત્યંતિક કલ્યાણ માટે ઈન્દ્રિયો ઉપરના વિજયની સચોટ વાત કરે છે. પરંતુ સામાન્ય જીવનમાં અને રોજબરોજના વ્યવહારમાં પણ આ વાત આત્મ-શ્રેયસ્કર છે. એ વાત કબુલ કે ઈન્દ્રિયો ઉપર કાબુ ઘણી જ અઘરી બાબત છે, પરંતુ અશક્ય તો નથી.
પ્રભુ ઈસુ ખ્રિસ્તને ક્રુસ ઉપર ચઢાવવામાં આવ્યા એ પછી તેમના 12 અંતેવાસી (શિષ્યો) સ્વદેશ છોડીને ઈટાલીના શહેર રોમ આવી ગયા હતા. એમાંના એક એટલે સૅન્ટ પીટર. તેઓને પ્રભુભક્તિનો પ્રસાર કરતા જોઈને રોમ સરકારે તેમનો વધ કરાવી દીધો હતો. બીજા શિષ્યોએ ભેગા મળીને વેટિકન નામની જગ્યાએ એક સ્મારક બનાવ્યું. જે આજે સૅન્ટ પીટર્સ્ હાઉસ નામે જાણીતું છે. અહીં સૅન્ટ પીટરના જીવન અને કાર્યની ઝાંખી જોવા મળે છે. સ્મારકનો ડૉમ 450 ફીટ ઊંચો અને કલાત્મક છે.
મહત્વની વાત માનવજીવન અને એનું માહાત્મ્ય છે. પૃથ્વી પર જન્મ લેનાર માનવીની સરેરાશ આયુષ્યમર્યાદા સંશોધકો અને વૈજ્ઞાનિકોના મતે 60 વર્ષ છે. સરેરાશ 21,600 દિવસ આપણે જીવી લેવાનું છે અને આપણું કાર્ય સિદ્ધ કરી લેવાનું છે. માનવ જીવન આંખના પલકારામાં વીતી જાય છે અને મોત કોઈની રાહ જોતું નથી કે કોઈની શરમ રાખતું નથી. નવધા ભક્તિ એ કળિયુગમાં ઈશ્વરને પામવાનો સાધનામાર્ગ છે. બધા ધર્મો અને બધા શાસ્ત્રોનો સાર માત્ર પ્રેમ છે.
જસ્ટ ટ્વીટઃ-
ધૃણા કરવાનું કાર્ય શેતાનનું છે, પ્રેમ કરવાનું કાર્ય દેવતાનું છે.
મહર્ષિ ભર્તૃહરિ




Thursday, May 4, 2017

🌸 એક ગઝલ ~ દિનેશ દેસાઈ 🌸

એક ગઝલ ~ દિનેશ દેસાઈ હું નૈ પુછું "કેમ?" બસ, તું કહે એમ. ના મૂલ બદલાય, છે હેમનું હેમ. તારું કહ્યું થાય, ના કૈં રહે વ્હેમ. જેવું હતું એ જ - છે જેમનું તેમ. ઓ જિંદગી ચાલ, કરતો રહું પ્રેમ.

Monday, August 1, 2016

આગની પાછળ રવાની હોય છે - દિનેશ દેસાઈ

એક ગઝલ – દિનેશ દેસાઈ આગની પાછળ રવાની હોય છે, ને અસર પાછી હવાની હોય છે. 0 ખૂબસૂરત જે જવાની હોય છે, આખરે એ પણ જવાની હોય છે. 0 કેટલી ઘાતક જવાની હોય છે, તે છતા એ પામવાની હોય છે. 0 સ્પર્શ જાણે રક્તની ટશરો ફૂટે, ઉઝરડામાં મ્હેરબાની હોય છે. 0 એ હવેલી રાતમાં ખાલી થશે, જાત જાણે કાફલાની હોય છે. 0 રાત, આખી રાતનો ઉજાગરો, એટલે કે રાતરાણી હોય છે. 0 નામ એણે ક્યાં કહ્યું’તું છેક લગ, પણ મજા તો ધારવાની હોય છે. 0 રોજ એના નામનો આ તાવ છે, ક્યાં અસર કોઈ દવાની હોય છે? 0 દિલ પછી ઈંધણ તરીકે ચાલશે, તાપણી કેવી મજાની હોય છે. 0 રોજની આ રાહ જોવાની રસમ, બીક એના રુઠવાની હોય છે. 0 પ્હેલ એની, તે છતા વાંકી નજર, ભૂલ જાણે છોકરાની હોય છે. 0 ક્યાં હજૂરીથી તમે છૂટી શકો? વાત એની માનવાની હોય છે. 0 આંગળીથી વેગળા નખ કાયમી, આસમાની સુલતાની હોય છે. 0 0000000000000000000000000

Wednesday, August 27, 2014

હૃદયની છાપ – દિનેશ દેસાઈ

એક ગઝલ કોણ માપે છે હૃદયની છાપને ? કોણ પૂછે લાગણીની જાતને ? બ્હારનો દેખાવ હોવો જોઈએ, સૌ જુએ છે ફક્ત ભપકા-ઠાઠને. આંખમાં આંખો પરોવી જોઈ લો, તારવીને આપશે એ સાચને. એ ગમે ત્યારે’ય ચઢશે છાપરે, ક્યાં સુધી ઢાંકી શકો છો પાપને ? એ જ મારે, એ જ તારે છે સમય, કોઈ ભૂંસી ના શકે એ શાપને.

Monday, October 31, 2011

ગઝલ - - દિનેશ દેસાઈ

ગઝલ
"ઊડવું, ફંગોળવું, બળવું, ઠરી જાવું,
આદમીના હાથમાં ક્યાં છે મરી જાવું? 0

શોક, ભય, ઈચ્છા, અભીપ્સા, વાસના હર પળ,
તે છતા ક્યાં પાલવે એથી ડરી જાવું? 0

નાવ, નાવિક ને હલેસાં, કેટલાં વાનાં?,
છે કઠિન આ ઝાંઝવાનાં જળ તરી જાવું. 0

પારખે ના જે સમયને, ઠોકરો ખાતું,
તાજગી એમાં જ કે ખીલવું-ખરી જાવું. 0

આભ સૌનું પણ અલગ સૌની ક્ષિતિજ એથી,
હોય જે માંડ્યું નસીબે તે ભરી જાવું. 0

બાંધતાં કાંડે છતા બાંધી શક્યું ના કોઈ,
છે સમયનું કામ તો સર્ સર્ સરી જાવું. 0

પાર ગોરંભો કરી ટહુકો જતો એળે,
તો ઉનાળુ સાંજ થઈ અઢળક ઝરી જાવું. 0"

- દિનેશ દેસાઈ.
(ગુજરાત દીપોત્સવી)

Friday, August 19, 2011

એક ગઝલ.............
"એક સાંજે આંખ ફરકી હતી,
ત્યારથી એ સાવ ગળતી હતી.
મોગરાની જેમ મ્હેકી ઊઠી,
છોકરી જાણે ઊઘડતી હતી.
ઝાંઝવાની વાતમાં દમ હશે,
જાતની તો એય હરણી હતી.
રાત આખી રાહ જોતી રહી,
કે ઉદાસી આમ વસમી હતી.
રેશમી સંગાથ પાછો મળે,
કામના એ રોજ કરતી હતી."
-દિનેશ દેસાઈ
("પ્રેમઝરૂખો" સંગ્રહમાંથી)

Thursday, March 17, 2011

ગઝલ

આપવા જેવું નથી, શું આપવું?,
માગવા જેવું નથી, શું માગવું? ૦

દ્વાર ખોલી ના મને બોલાવ તું,
આવવા જેવું નથી, શું આવવું? ૦

જો અચાનક શૂળ ઉગી જાય છે,
કાપવા જેવું નથી, શું કાપવું? ૦

દાવ પર લાગી હતી જે જદગી,
હારવા જેવું નથી, શું હારવું? ૦

યાદનો અસબાબ ના મંગાવ તું,
લાવવા જેવું નથી, શું લાવવું?

Tuesday, June 1, 2010

હાથમાં અકબંધ દરિયા સાત છે

હાથમાં અકબંધ દરિયા સાત છે,
તે છતાં ભરતી અમારી ઘાત છે.

જોઈ લીધા કૈંક તોફાનો અમે,
દિલ અમારું ખારવાની જાત છે.

રેતનું ઘર આખરે ડૂબી જશે,
મોજદરિયા રોજનો આઘાત છે.

રક્તની ટશરો પછી તો ફૂટશે,
ક્યાં ઉઝરડાની હવે ઓકાત છે.

રાખમાં તણખો બનીને જીવશે,
આગના પડખે ઠરેલી વાત છે.

એમ મળવાનું હવે ક્યાં થાય છે?

એમ મળવાનું હવે ક્યાં થાય છે?
યાર, હળવાનું હવે ક્યાં થાય છે?

એક સાંજે આમ છૂટા થઇ ગયા
ને ઝગડવાનું હવે ક્યાં થાય છે?

રાહ જોતો હું કલાકો, યાદ છે
રાહ જોવાનું હવે ક્યાં થાય છે?

ચાંદની પીધા પછી આ હાલ છે
રોજ પીવાનું હવે ક્યાં થાય છે?

રાતભર એ ભીંજવી દેતી હતી
જો પલળવાનું હવે ક્યાં થાય છે?

તાપ એનો એટલો, બાળી મૂકે
બસ, સળગવાનું હવે ક્યાં થાય છે?

આખરે કાફર હતી એ છોકરી
આંખ લડવાનું હવે ક્યાં થાય છે?

હું જ શોધું છું મને આ શહેરમાં
શોધવાનું મન તને ક્યાં થાય છે?

Wednesday, May 19, 2010

kavyagurjary

અછાંદસ્ કાવ્ય

દિનેશ દેસાઈ.

પંખીઓનો હવે વધી જશે કલશોર,
એમને હવે મળશે થોડી વધારે સ્પેસ.
એમને હવે છોડવી નહીં પડે અધવચ્ચેથી કોઈ ડાળ,
કિશોરવયનાં કલશોરને કોઈ વૃક્ષ આપશે નહીં જાકારો.
સાત કોઠા ભેદ્યા પછી આઠમો કોઠો પણ છે હવે તૈયાર,
ચણતરનો ભાર તો ખૂબ વર્ષોથી વેઠ્યો,
ભણતરનો માર જરા વેઠી લઈએ હવે,
‘ગણતર’ના કારણે મળ્યું છે આખું વિહંગ,
પછી તો આખી જિંદગીની છે નિરાંત.
ઉછીનું પીછું ને ઉછીનાં ટહુકા ક્યાં લગી આમતેમથી ઉઘરાવવા?
પંડે કરીને હવે કલરવ લઈ સામટો,
ઊડતાં રે’શું ને સાથે ગીતો’ય ગાશું,
ફેલાશું નીલગગનમાં ચારેકોર.

અછાંદસ્ કાવ્ય

દિનેશ દેસાઈ.

ગુજરાતના વિહંગમાં શિક્ષણની ક્ષિતિજે એક નવો સૂરજ ઊગી રહ્યો છે ત્યારે,
આ સૂરજ બરાબર તપે, તાવે અને મધ્યાન્હે તપતો જ રહે એનો પહેરો ભરાય તો સારું.
હવે લાગે છે બાળશિક્ષણની ઊજળી છે આવતીકાલ,
અત્યાર સુધી તો ભણતર સામે હતા કેટલાંય સવાલ.
હવે આશા છે ભણતરને પાછી ફૂટશે નવી પાંખો,
આંખોમાં સાચવીને રાખેલાં શમણાંને મળશે આકાર.
કાગળ પર તો વર્ષોથી બનતી રહી છે યોજનાઓ,
અમને ખુદ બનાવવામાં ન આવે એની જોવાતી રાહ.
ચાની કિટલી ઉપર આમ તો ગળાતું હતું સૂકું બાળપણ,
શેરીઓમાં આમતેમ ફંગોળાતું હતું કાલુઘેલું શાણપણ.
મેઘધનુષને આંખોમાં આંજવાનો અમને છે અધિકાર,
ગણતરે આપ્યો છે ભણતરને એક નવો જ આકાર.
ભરપૂર વેઠ્યો છે આમતેમ રઝળીને ભણવા માટેનો વનવાસ,
હવે તો ધાર્યું નિશાન પાર પાડ્યો જ પાર.
પાર્થને કહો ચઢાવે બાણ,
હવે તો ભણવું એ જ કલ્યાણ,
હવે તો ભણવું એ જ કલ્યાણ.